કાલે ઉત્પત્તિ એકાદશી, આ મુહૂર્તમાં વિષ્ણુ પૂજા દૂર થશે દરિદ્રતા અને ક્લેશ

0
396

ધાર્મિક રીતે મહત્વ ધરાવતી ઉત્પત્તિ એકાદશીની આવતી કાલે મંગળવારના રોજ ઉજવણી થશે. હિન્દુ શાસ્ત્રો અને સમુદાયમાં એકાદશી વ્રત, ઉપવાસનું ભારે મહત્વ આંકવામાં આવ્યું છે. હિન્દુ વર્ષમાં 24 એકાદશી આવે છે. જો અધિક માસ હોય તો 26 એકાદશી આવે છે. લોકો આ દિવસે ઉપવાસ કરતા હોય છે. પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હશે કે એકાદશી એ દેવીનું નામ છે. તો આજે જાણો કોણ હતા આ દેવી અને શું છે મહત્વ ઉત્પત્તિ એકાદશીનું.

એકાદશીની વ્રત કથા

પદ્મપુરામમાં શ્રીકૃષ્ણે સ્વયં ધર્મરાજ યુધિષ્ઠિરને આ એકાદશીના મહત્વ વિશે સમજાવ્યું હતુ. તેમણે જણાવ્યું હતુ કે સતયુગમાં મુર નામના એક રાક્ષસે દેવરાજ ઈન્દ્રને હરાવી અને સ્વર્ગ પર આધિપત્ય મેળવી લીધું હતુ. આ સ્થિતીમાં બધા જ દેવતાઓ ક્ષીરસાગરમાં બિરાજમાન ભગવાન વિષ્ણુ પાસે ગયા અને તેમની સ્તુતિ કરી સહાયતા માંગી. દેવતાઓના અનુરોધ પર ભગવાન વિષ્ણુએ મુરની રાક્ષસી સેના પર આક્રમણ કરી અને તેની સેનાનો સંહાર કર્યો. આ યુદ્ધ પછી તેઓ બદરિકાશ્રમ જઈ સિંહાવતી ગુફામાં જઈ નિદ્રાધીન થઈ ગયા. મુર રાક્ષસે શ્રીહરિને મારવાના આશય સાથે ગુફામાં પ્રવેશ કર્યો. તેણે ગુફામાં સૌંદર્યવાન સ્ત્રીને અસ્ત્ર શસ્ત્રથી સજ્જ થયેલી જોઈ. આ કન્યાએ એક હુંકાર કર્યો અને મુર રાક્ષસ ભસ્મ થઈ ગયો. આ તેજસ્વી કન્યાનું નામ એકાદશી હતું. ભગવાને નિદ્રામાંથી જાગૃત થઈ એકાદશીને મનોવાંછિત વરદાન આપી અને આ તિથિને પ્રિય ઘોષિત કરી. ભગવાન વરદાન આપ્યું કે કળયુગમાં જે વ્યક્તિ એકાદશીનું વ્રત કરશે તેનું જીવન વૈભવયુક્ત હશે અને તેના જીવનમાંથી અશાંતિ અને ક્લેશ સમાપ્ત થશે.

પૂજા વિધિ
સ્નાનાદિ કર્મ કરી શ્રીહરીની વિધિ વિધાનથી પૂજા કરી ઘીનો દીવો પ્રગટાવવો. ચંદનનો ધૂપ કરી ગલગોટાના પીળા ફુલ ભગવાનને અર્પણ કરવા. ભગવાનને ભોગ ધરાવી અને ચંદનની માળાથી નીચે આપેલા મંત્રનો જાપ કરવો.

પૂજા મંત્ર
ॐ मुरा-रातये नमः

પૂજાનો સમય
સાંજે 6થી 7 સુધી

અન્ય લાભદાયી ઉપાય
ઘરની અશાંતિ દૂર કરવા શ્રીહરિ સમક્ષ ગુગળનો ધૂપ કરવો.
શ્રીહરીને ચઢાવેલા ચંદનનું તિલક કપાળે કરવું.
બ્રાહ્મણને યથાશક્તિ દાન કરવું.

સ્રોત: સંદેશ