સ્ત્રી કીડનીદાન કરવામાં આગળ છે; પરંતુ એમને કીડનીની જરુર હોય ત્યારે?

0
63

સ્ત્રી કીડનીદાન કરવામાં આગળ છે; પરંતુ એમને કીડનીની જરુર હોય ત્યારે?

આજે ‘આંતરરાષ્ટ્રીય મહીલા દીવસ’ની સાથે ‘વિશ્વ કિડની દિવસ’ પણ છે. ઘરના બાળકો, પતી, સાસુ–સસરા કે કામવાળાનું ધ્યાન ઘરની સ્ત્રી રાખતી હોય છે. ઘરની દરેક વ્યક્તીના હેલ્થ વીશે વીચારતી, તેમની કાળજી રાખતી અને માંદા પડે તેમની સેવા કરતી સ્ત્રી પોતે પોતાનું ધ્યાન કેટલું રાખે છે? પુરુષોને જ્યારે કીડનીની જરુર પડે છે ત્યારે પોતાના સ્વજનનો જીવ બચાવવા સ્ત્રીઓ પોતાની કીડની આપવામાં સંકોચ અનુભવતી નથી. સ્ત્રી ત્યાગની મુર્તી છે, પરંતુ જ્યારે તેને બીજાના ત્યાગની જરુર પડે છે ત્યારે શું?

સ્ત્રી કીડનીદાન કરવામાં આગળ છે,
પરંતુ એમને કીડનીની જરુર હોય ત્યારે?

પોતાના સ્વજનના જીવને બચાવવા સ્ત્રીઓ પોતાની કીડની આપવામાં સંકોચ અનુભવતી નથી. અંગદાન કરીને પણ પરીવારને બચાવતી સ્ત્રીઓ ખુબ મહાન છે, પરંતુ એ મહાન સ્ત્રીઓ એટલી જ બીચારી પણ છે, કારણ કે જ્યારે એને કીડનીની જરુર પડે છે ત્યારે પરીવારજનો તૈયાર થતા નથી. એટલે જ રોગ સમાન રીતે બન્નેને થતો હોવા છતાં ટ્રાન્સપ્લાન્ટ પુરુષોનાં વધુ અને સ્ત્રીઓનાં ઓછાં થાય છે. સ્ત્રી ત્યાગની મુર્તી છે, પરંતુ જ્યારે તેને બીજાના ત્યાગની જરુર પડે છે ત્યારે શું? આજે ‘આંતરરાષ્ટ્રીય મહીલા દીવસ’ની સાથે–સાથે ‘વર્લ્ડ કીડની ડે’ પણ છે ત્યારે કીડનીના માધ્યમથી સમજીએ આપણા સમાજની સ્ત્રીઓ અને તેમની હેલ્થની થતી ઉપેક્ષાને બાળકો, પતી, સાસુ–સસરા કે ઘરની કોઈ પણ વ્યક્તીનું ધ્યાન ઘરની સ્ત્રી રાખતી હોય છે. કામવાળાને પણ કંઈ તકલીફ હોય તો તે તેને પણ મદદ કરતી હોય છે. દરેકની હેલ્થ વીશે વીચારતી, તેમની કાળજી રાખતી અને માંદા પડ્યે તેમની સેવા કરતી સ્ત્રી પોતે પોતાનું ધ્યાન કેટલું રાખે છે? સ્ત્રીનો સ્વભાવ જ જાણે કે એવો છે કે તે પોતાના વીશે પછી અને બીજા વીશે પહેલાં વીચારે છે. જોકે આ બાબતે પણ અપવાદ હોવાનો, પરંતુ અહીં આપણે મોટા ભાગની સ્ત્રીઓની વાત કરી રહ્યા છીએ. સ્ત્રીનું ધ્યાન કોઈ નથી રાખતું એવી ફરીયાદ સમાજમાં મોટા ભાગનાં ઘરોમાં જોવા મળે છે. જો ઘરમાં બીજી સ્ત્રી હોય એટલે કે સાસુ હોય કે તેની પોતાની મમ્મી હોય કે પછી દીકરી મોટી થઈ ગઈ હોય તો તે તેનું ધ્યાન રાખતી હોય છે. બાકી ઘરની કોઈ બીજી વ્યક્તી માંદગીમાં સાથ આપી શકે એવું ભાગ્યે જ બનતું હોય છે. એવું તો ન કહી શકાય કે પુરુષ સહીષ્ણુ નથી હોતો, પરંતુ માંદગીમાં જે રીતે એક વ્યક્તીની કાળજી લેવાની હોય છે, તેના ખાવા–પીવાનું, તેની દવાઓનું ધ્યાન રાખવું કે તેની કાળજી કઈ રીતે રાખવી એ ભારતીય સમાજમાં પુરુષોને શીખવવામાં આવતું નથી. એ વર્ષોથી સ્ત્રીનાં જ કામ રહ્યાં છે. જોકે ડૉક્ટર પાસે લઈ જવાનું કામ તો ભારતીય પુરુષો કરતા જ હોય છે, પણ અહીં વાત એ છે કે સ્ત્રી માંદી હોય તો તે જતાવતી પણ નથી કે તે માંદી છે, તેને કોઈ તકલીફ થઈ રહી છે. પોતે સહન કરે છે અને ક્યાં તો અવગણના, જેને કારણે નીદાનમાં મોડું થઈ જતું હોય છે. કેટલાંક ઘરોમાં આજે પણ એવું છે કે બધાનું ઍન્યુઅલ ચેકઅપ કરવાનું યાદ રાખતી સ્ત્રી પોતાનું ચેકઅપ કરાવતી નથી. બધાને તાજું બનાવીને ખવડાવતી સ્ત્રી પોતે કાલનું ઠંડું ફ્રીજમાં પડેલું પણ ખાઈ લે છે. થાક લાગતો હોય તો પણ કામ ઢસડે અને સવારે સૌથી વહેલી ઉઠે, પણ વૉક પર જવાનો સમય તેને ક્યારેય ન મળે. આજે સ્ત્રીઓનો દીવસ છે, ‘ઈન્ટરનૅશનલ વીમેન્સ ડે’. સાથે–સાથે આજે ‘વિશ્વ કિડની દિવસ’ પણ છે.

દર વર્ષે 6 લાખ સ્ત્રીઓ મરે છે

કીડનીની હેલ્થની વાત કરીએ તો મોટા ભાગે કીડની એક એવું અંગ છે જે સ્ત્રી અને પુરુષ બન્નેમાં સમાન રીતે કામ કરે છે. અમુક કારણો છે જેને લીધે સ્ત્રીઓમાં કીડનીના અમુક પ્રકારના પ્રૉબ્લેમ્સ વધુ જોવા મળે છે. જોકે હકીકત એ છે કે કીડનીનો પ્રૉબ્લેમ સ્ત્રી અને પુરુષ બન્નેને સમાન રીતે જ આવે છે અને બન્નેને એકસરખા ઈલાજની જરુર પડે જ છે. ક્રોનીક કીડની ડીસીઝ સ્ત્રી અને પુરુષ બન્નેને અસર કરતો રોગ છે જે ધીમે–ધીમે વ્યક્તીના શરીરમાં વધતો જાય છે. આંકડાઓ મુજબ દર વર્ષે દુનીયાભરમાં 19.50 કરોડ સ્ત્રીઓને આ રોગ થાય છે અને છ લાખ સ્ત્રીઓ દર વર્ષે આ રોગને કારણે મૃત્યુ પામે છે. સ્ત્રીઓમાં થતાં મૃત્યુનાં કારણોમાં કીડની ડીસીઝ આઠમા નંબરે આવે છે. અમુક રીસર્ચ મુજબ આ રોગનું પ્રમાણ 14 ટકા સ્ત્રીઓ અને 12 ટકા પુરુષોમાં જોવા મળે છે. આમ સ્ત્રીઓમાં એનું પ્રમાણ વધુ જોવા મળે છે. છતાં ડાયાલીસીસ લેતા લોકોમાં પુરુષોની સંખ્યા વધુ હોય છે. આનાં કારણોમાં જે મુખ્ય કારણ સામે આવે છે એ છે સ્ત્રીઓની હેલ્થ બાબતે પરીવાર કે સમાજમાં રહેલી ઉદાસીનતા.

સ્ત્રીઓમાં રોગનું કારણ

કીડની ડીસીઝ આમ તો બન્નેમાં થતો જણાય છે, પરંતુ સ્ત્રીઓમાં આ રોગ થવાનું મુખ્ય કારણ જણાવતાં ઝેન હૉસ્પીટલ, ચેમ્બુરના નેફ્રોલૉજીસ્ટ ડૉ. વીશ્વનાથ બીલ્લા કહે છે, ‘સ્ત્રી બીમાર હોય તો પણ તેને પોતાના ઘરનાં અને પરીવારનાં કામોથી છુટ્ટી મળી શકતી નથી. આ કારણસર જ તેને કોઈ જગ્યાએ થોડું પણ પેઈન થયું કે કોઈ તકલીફ થઈ તો તે ડૉક્ટર પાસે જવાને બદલે, ઈલાજ કરાવવાને બદલે અનુકુળ આવે એટલી પેઈનકીલર્સ ખાઈને કામ ચલાવતી હોય છે. આ વધુ પડતી પેઈનકીલર્સ જ છે જે કીડનીને ડૅમેજ કરવામાં મોટો ભાગ ભજવે છે. આ બાબતે જાગૃતી જરુરી છે. આ સીવાય પ્રેગ્નન્સી સમયે બ્લડ–પ્રેશરની સમસ્યા જે સ્ત્રીઓમાં આવે છે એ સ્ત્રીઓને કીડનીની તકલીફ આવવાનું રીસ્ક ઘણું મોટું હોય છે. આ બાબતે પણ જાગૃતીની જરુર છે. પહેલાં બ્લડ–પ્રેશરની તકલીફ સ્ત્રીઓમાં વધુ જોવા મળતી નહીં, પરંતુ આજકાલ વધતા સ્ટ્રેસને કારણે સ્ત્રીઓ પણ નાની ઉમ્મરમાં આ રોગનો શીકાર બનતી ચાલી છે.’

ઈલાજ પ્રત્યે ઉદાસીનતા

ડાયાલીસીસ માટે સ્ત્રીઓ ઘણી ઓછી આવે છે એ બાબતે વાત કરતાં ગ્લોબલ હૉસ્પીટલના નેફ્રોલૉજીસ્ટ અને નર્મદા કીડની ફાઉન્ડેશનના મૅનેજીંગ ટ્રસ્ટી ડૉ. ભરત શાહ કહે છે, ‘આપણે ત્યાં એવું છે કે એક સ્ત્રી બીમાર હોય તો એ બાબતે પરીવારજનો ખાસ ચીંતા નથી કરતા. સ્ત્રી પોતે પણ આ બાબતે ખાસ ચીંતા નથી કરતી અને જેમ છે એમ ચાલવા દેતી હોય છે. કીડનીની તકલીફ મોટા ભાગે પ્રોગ્રેસીવ હોય છે એટલે કે ધીમે–ધીમે વધે છે. એ એકદમ જ સામે આવતી નથી કે જેમાં તાત્કાલીક ડૉક્ટર પાસે જવું પડે. આ રોગ એવો છે જેમાં જલદી નીદાન એનો ઉપાય છે અને સ્ત્રી રેગ્યુલર ચેકઅપ બાબતે ઉપેક્ષા સેવતી હોય છે. પતી બીમાર હોય તો તેને પોતે કહી–કહીને ચેકઅપ કરાવશે, પરંતુ પોતાની હેલ્થ બાબતે ઉપેક્ષા સેવે છે એટલે જ સ્ત્રીઓમાં આ રોગ વધુ ઘાતક સાબીત થાય છે. મોટા ભાગે પુરુષો બહાર કામ કરવા જાય છે અને કમ્પનીમાં હેલ્થ ચેકઅપ ફરજીયાત હોય છે. આ કારણસર પણ પુરુષોની સારવાર સમયસર થવાની શક્યતા વધુ રહે છે. વળી સ્ત્રીના ઈલાજ પ્રત્યે પણ ઘણા પરીવારોમાં ઉપેક્ષા સેવાય છે. સમયસર ઈલાજ ન કરાવીએ તો આ રોગ જીવલેણ સાબીત થાય છે.’

કીડની–ડોનેશનમાં પણ સ્ત્રી જ આગળ

ક્રોનીક કીડની ડીસીઝનો એક કાયમી ઈલાજ કીડની–ટ્રાન્સપ્લાન્ટ છે જે ખર્ચાળ છે એટલું જ નહીં, એના માટે કીડની–ડોનરની પણ જરુર પડે છે. આ બાબતે પણ સ્ત્રીઓ કરતાં પુરુષોમાં ટ્રાન્સપ્લાન્ટ વધુ થાય છે. એટલું જ નહીં, ડૉનેશનની વાત આવે ત્યાં પણ સ્ત્રીઓ એમાં આગળ છે. આપણી સ્ત્રીઓ કીડની ડૉનેટ કરવામાં આગળ છે, પરંતુ ડૉનેશન મેળવવામાં ઘણી પાછળ છે. તેને કીડની આપવા તૈયાર થનારા લોકો ઓછા છે. આ વાતને સર્પોટ કરતાં ડૉ. વીશ્વનાથ બીલ્લા કહે છે, ‘અમારે ત્યાં કોઈ દરદી આવે તો અમારે તેને સમજાવવાનું હોય છે કે ટ્રાન્સપ્લાન્ટ સેફ છે અને એ જ એકમાત્ર રસ્તો છે જેનાથી દરદીને બચાવી શકાય. ઘરના લોકો જો કીડની ડૉનેટ કરવા તૈયાર થાય તો એનાથી બેસ્ટ કંઈ જ નથી. મોટા ભાગે અમે જોઈએ છીએ કે ઘરની સ્ત્રીઓ પુરુષો માટે કીડની આપવા તૈયાર થઈ જતી હોય છે એટલું જ નહીં, તેને મનમાં એવો ભાવ પણ નથી હોતો કે તે કેટલું મોટું કામ કરી રહી છે. તેને મન એ વ્યક્તીને બચાવવી ઘણી મહત્વની હોય છે. અફસોસ એ વાતનો છે કે જ્યારે દરદી સ્ત્રી હોય ત્યારે પુરુષો તરફથી આવો પ્રતીભાવ હમ્મેશાં મળતો નથી. મોટા ભાગના લોકો બહાનાં બનાવતાં હોય છે કે હું એકલો જ કમાનારો છું અને જો મને કંઈ થઈ ગયું તો પછી પરીવારનું શું? આ બહાનાં આમ જુઓ તો સ્ત્રી માટે પણ લાગુ પડે છે, પરંતુ આવાં બહાનાં સ્ત્રીઓ બતાવતી નથી.’

ટ્રાન્સપ્લાન્ટના કેટલાક આંકડા

ટ્રાન્સપ્લાન્ટમાં સ્ત્રી કીડની દાનમાં આપવામાં આગળ છે, પરંતુ તેને દાન મળતું નથી એ વાતની સાબીતી માટે જાણીએ ડૉ. ભરત શાહ પાસેથી કેટલાક આંકડાઓ.

છેલ્લાં ચાર વર્ષ એટલે કે 2013થી 2017 સુધીમાં ગ્લોબલ હૉસ્પીટલ, પરેલમાં 274 કીડની–ટ્રાન્સપ્લાન્ટ થયાં હતાં. એમાં 14 કૅડેવર ટ્રાન્સપ્લાન્ટ હતાં. કૅડેવર ટ્રાન્સપ્લાન્ટ એટલે મૃત વ્યક્તી જ્યારે કીડની ડૉનેટ કરે અને એ સરકારી લીસ્ટ મુજબ વ્યક્તીને મળે ત્યારે થતું ટ્રાન્સપ્લાન્ટ. આ સીવાયનાં ટ્રાન્સપ્લાન્ટમાં એટલે કે 260 ટ્રાન્સપ્લાન્ટમાંથી 204 પુરુષોનાં અને 70 સ્ત્રીઓનાં ટ્રાન્સપ્લાન્ટ થયાં છે. આ ટ્રાન્સપ્લાન્ટ એવાં છે જેમાં ઘરની કે પરીવારની વ્યક્તી જ દરદીને કીડની દાન આપી શકે અને એ દાન મળે તો જ ટ્રાન્સપ્લાન્ટ થાય. અમુક રીસર્ચ મુજબ ક્રોનીક કીડની ડીસીઝનું પ્રમાણ 14 ટકા સ્ત્રીઓ અને 12 ટકા પુરુષોમાં જોવા મળે છે. આમ સ્ત્રીઓમાં કીડની ડીસીઝ વધુ પ્રમાણમાં છે. જો વધુ ન સમજીએ અને એટલા જ પ્રમાણમાં હોય તો પણ ટ્રાન્સપ્લાન્ટની જરુર જેટલી પુરુષોને પડી હોય એટલી જ સ્ત્રીઓમાં હોવી જોઈએ. છતાં આંકડાઓ દેખાડે છે કે પુરુષોમાં ટ્રાન્સપ્લાન્ટની સંખ્યા સ્ત્રીઓ કરતાં બમણીથી પણ વધુ માત્રામાં છે. આ ટ્રાન્સપ્લાન્ટમાં દરદીને કીડની દાનમાં આપનારા લોકો કોણ હતા કે દરદી સાથેનો તેમનો સમ્બન્ધ શું હતો એ જોવા જેવો છે.

 • પીતા – 23
 • માતા – 49
 • ભાઈ – 33
 • બહેન – 38
 • પતી – 15
 • પત્ની – 76
 • અહીં 234 કેસની વાત છે. બાકીના કેસમાં થોડા દુરના સમ્બન્ધીઓએ કીડની દાનમાં આપી હતી. આ આંકડાઓને સમજીએ તો માતા–પીતા કે ભાઈ–બહેન જેવા લોહીના સંબંધોમાં પણ સ્ત્રીઓ જ કીડની દાન કરવા આગળ આવી છે. જો પોતાના બાળકને કીડનીની તકલીફ હોય તો માતા–પીતા બન્નેની એ જવાબદારી છે કે પોતાની કીડની આપીને તેને બચાવે, પરંતુ આ જવાબદારીમાં બમણીથી પણ વધુ માતાઓ આગળ નીકળેલી દેખાય છે. પતી અને પત્નીનો સમ્બન્ધ ભારતીય સંસ્કૃતીમાં તો ઘણો જ શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. આપણે ત્યાં સ્ત્રીની સદા રક્ષા કરવાના સોગંદ લેનારા પતીદેવોમાં 15 જ નીકળ્યા જેમણે તેમની કીડની આપીને પોતાની પત્નીનો જીવ બચાવ્યો. એની સામે યમરાજા સામે લડીને પોતાના પતીના પ્રાણની રક્ષા કરવાના સંસ્કાર મેળવેલી ભારતીય પત્નીઓ 76 નીકળી જેમણે પોતાના જીવની પરવા કર્યા વીના કીડની આપીને પતીની રક્ષા કરી.

  લેખક: જીગીષા જૈન

  જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

  આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

  ૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?