તાજ મહેલ બાંધવાનો વિચાર શાહજહાંને અમદાવાદમાં આવ્યો હતો!

0
265

દેશ-પરદેશના પ્રવાસીઓ જે તાજ મહેલને જોવા આવે છે એ મહાલય બાંધવાનો વિચાર શાહજહાંને ગુજરાતના રોકાણ દરમિયાન આવ્યો હતો. શાહજહાંના ભાગમાં દિલ્હીની ગાદી 1628માં આવી. એ પહેલા યુવા કુંવર શાહજહાંને તેમના પિતા જહાંગીરે ગુજરાતના સૂબા તરીકે મોકલ્યો હતો.

વર્ષ 1614 થી 1618 સુધી શાહજહાં ગુજરાતનો સૂબો હતો. ઈતિહાસ જેને શાહજહાં તરીકે ઓળખે છે તેનું અસલ નામ તો વળી શાહહાબ-ઉદ્દ-દીન મુહમ્મદ ખુર્રમ હતું. શાહજહાં તો તેને મળેલી પદવી હતી, જેનો મતલબ ‘આખા જગતનો રાજા’ એવો થતો હતો.

પરદેશી ઇતિહાસકાર જેમ્સ ડગ્લાસે પોતાના પુસ્તક ‘વેસ્ટર્ન ઈન્ડિયા’માં નોંધ્યા પ્રમાણે સંભવતઃ શાહજહાંના મનમાં તાજ મહેલ બાંધવાનો વિચાર અમદાવાદના રોકાણ દરમિયાન જ રોપાઈ ગયો હતો.

1893માં લખેલા પુસ્તકમાં ડગ્લાસે નોંધ્યુ છે: ‘અમદાવાદમાં માર્બલના બનેલા અનેક બાંધકામો હતા અને શાહજહાં સતત તેને જોતો રહેતો હતો, પ્રેમથી હાથ ફેરવતો રહેતો હતો. ઘણો ખરો સમય તેનો આ બાંધકામો અવલોકવામાં, તેના વિશે નોંધો કરવામાં જતો હતો.’

અમદાવાદ પાસે ત્યારે પણ સમૃદ્ધ ઇતિહાસ હતો અને અનેક આકર્ષક ઈમારતો અહીં બંધાયેલી હતી. 1616ની સાલમાં ગુજરાતના રોકાણ દરમિયાન શાહજહાંએ ઘણો સમય અમદાવાદમાં પસાર કર્યો હતો. માત્ર શાહજહાં નહીં તેમના વાલિદ જહાંગીરે પણ ગુજરાતમાં ઘણુ રોકાણ કર્યું હતું. એ દરમિયાન ગુજરાતમાં સિક્કા પણ તૈયાર કરાવ્યા હતા.

જહાંગીરના પ્રવાસની નોંધ બ્રિટિશ અધિકારી સર ટોમસ રૉએ પણ રાખી હતી. એ પ્રમાણે જહાંગીરે દિલ્હીમાં રહી સમુદ્ર જોયો ન હતો, માટે તેને ખંભાતના કાંઠે ખારો સમુદ્ર કેવો હોય એ જોવા માટે પણ સફર કરી હતી. જહાંગીરનો કાફલો અમદાવાદ પહોંચ્યો ત્યારે કુંવર શાહજહાંની 23મી વર્ષગાંઠ હતી. માટે શાહજાદાને સોના-રૂપાની ચીજોથી જોખવામાં પણ આવ્યો હતો.

જહાંગીરે વિદાય લીધી પણ ગુજરાતનો હવાલો શાહજહાંને સોંપ્યો હતો. અમદાવાદના જે વિસ્તારમાં શાહજહાંનું રોકાણ હતું એ વિસ્તાર ત્યારથી શાહીબાગ નામે ઓળખાય છે. તો વળી શાહજહાં માટે બંધાવેલા મોતિશાહી મહેલમાં હવે સરદાર પટેલ સ્મારકનું ભવ્ય મકાન આવેલું છે.

અમદાવાદના રોકાણ દરમિયાન શાહજહાંને સૌથી વધુ રસ અહીંના સ્થાપત્યમાં પડયો હતો. અમદાવાદ સ્થાપત્યની દૃષ્ટિએ આખા જગતમાં અનોખું શહેર છે. અહીં અનેક પ્રકારના સ્થાપત્યનો સંગમ થયો છે. ચારસો વર્ષ પહેલા જે પ્રકારનું અમદાવાદનું સ્થાપત્ય હતું એ શાહજહાં સતત નીહાળતો રહેતો હતો.

‘ગુજરાતનું પાટનગર: અમદાવાદ’ નામે લખાયેલા અમદાવાદના ઈતિહાસમાં રત્નમણિરાવ ભીમરાવે શાહજહાંના અમદાવાદ રોકાણ વિશે વિગતવાર લખ્યું છે. એ પ્રમાણે પાછળથી મુમતાજ મહાલ નામે ઓળખાયેલા શાહજહાંના બેગમે અમદાવાદમાં જ રોકાણ કર્યું હતું.

મુમતાજ માટે જ શાહજહાંએ તાજ મહેલ બંધાવ્યો હતો. એ મુમતાજનું મૂળ નામ અર્જમંદબાનુ હતુ અને અમદાવાદમાં રોકાણ વખતે મુમતાજ તરીકેની કોઈ ઓળખાણ પણ ન હતી. રત્નમણિરાવે પણ એ વાતને સમર્થન આપ્યું છે કે તાજ મહેલ જેવુ બાંધકામ કરવાનો વિચાર શાહજહાંને અમદાવાદથી જ આવ્યો હશે.

શાહજહાંની ઓળખ એ વખતે હિન્દુસ્તાનમાં કલારસિક બાદશાહ તરીકે સ્થાપિત થઈ હતી. એ કલારસિક બાદશાહે પોતાનું પ્રથમ કલાત્મક બાંધકામ પણ અમદાવાદમાં જ કરાવ્યું હતું. એ બાંધકામ એટલે શાહીબાગ.

જહાંગીર પછી 1628માં પાંચમાં મુગલ બાદશાહ તરીકે શાહજહાંના હાથમાં દિલ્હીની સત્તા આવી. 30 વર્ષ સુધી શાહજહાંએ સાશન કર્યું હતુ. એ દરમિયાન એટલે કે 1632માં શાહજહાંએ તાજ મહેલનું બાંધકામ શરૂ કરાવ્યું હતું.

આમ તો મુખ્ય કબરનું બાંધકામ 1643માં જ તૈયાર થઈ ગયુ હતુ, પણ આસપાસની સાજ-સજ્જાનું બાંધકામ બીજા દસેક વર્ષ સુધી ચાલ્યા કર્યું હતું. આખરે 1653માં એ બાંધકામ પૂર્ણ થયું હતું.

તાજ મહેલ એ શાહ જહાંની મુખ્ય બેગમ અર્જમંદબાનુની કબર છે. બાનુ જોકે મુમતાજ તરીકે ઈતિહાસમાં વધારે જાણીતા છે. શાહજહાંએ અમદાવાદમાં બંધાવેલો મોતીશાહી મહેલ, જેમાં હવે સરદાર સ્મારક આવેલું છે.

તમે આ લેખ “Panchat” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

80 હજાર ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો