સર્જીકલ સ્ટ્રાઇકના ખોટા ફોટા અને વીડિયો ધોમ વાઇરલ થયા છે – આવા હળાહળ જૂઠાણાં ફેલાયા છે સોશિયલ મીડિયા પર! જરૂરથી વાંચો સત્ય

0
482

પુલવામા આતંકી હુમલાના બદલા સ્વરૂપે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના મૂઝ્ઝફરાબાદ, ચિખલી અને બાલાકોટના જૈશ-એ-મહમદ આતંકી સંગઠનના અડ્ડાઓ પર સર્જીકલ સ્ટ્રાઇક કરી અને તેના કંટ્રોલ રૂમને રફેદફે કરી મુક્યો. લગભગ ૩૦૦ ઉપરાંત આતંકીઓનો સાગમટો સફાયો થઈ ગયો. ભારતીયોએ ઉજવણી કરી. ફટાકડા ફોડ્યાં, મીઠાઈઓ વહેંચી, પાર્ટીઓ કરી….સારું છે. થવું જ જોઈએ. દેશપ્રેમ આવે વખતે ગૌરવપૂર્ણ ના બને તો કે’ દિ’ બને? એ બાબત પર સર્વેને જય હિંદ – જય હિંદ કી સેના!

પણ અહીં થોડી આડોડાઈ પણ હંમેશની જેમ કામે લાગી ગઈ. સોશિયલ મીડિયા પર ભારતીયોએ ધોમ ઉજવણી કરી. શિયાળા કોરા નભમંડળ પણ માવઠાના કાળા વાદળો ચડી આવે અને આકાશ ધૂંધળું થઈ જાય એમ ફેસબુક-વોટ્સએપ પર દેશભક્તિની પોસ્ટોની વણઝાર લાગી ગઈ. પણ એમાં થયું એવું કે અમુક નઘરોળીયાઓએ એક ફોટો વાઇરલ કર્યો. ફોટો એક યુવતીનો હતો, જે ભારતીય વાયુસેનામાં કાર્યરત છે. લખ્યું કે, આ સ્ત્રીએ સર્જીકલ સ્ટ્રાઇકમાં ભાગ લીધેલો.

કોઈ પણ સામાન્ય બુધ્ધિના અને લશ્કર વિશે જરા જેટલી પણ માહિતીથી અવગત માણસ એક ઝાટકે તો કદી આવી વિગત માની ના લે. વાયુસેના શું તરત જ માહિતી આપી દે કે, આ હુમલામાં કોણ-કોણ શામેલ હતું? ના, કદાપિ નહી. પણ ખબર નહી લોકોમાં આ બુધ્ધિ ક્યારે આવશે? એ પોસ્ટ તો ધડાધડ વાઇરલ થઈ ગઈ. અસત્યના પગ લાંબા હોય છે એ  સત્ય અહીં પણ સત્ય નીવડ્યું.

ફોટો શેર કરાયો સુરતની યુવતી ઉર્વીશા ઝરીવાલાના નામે. નીચે પછી ઇષ્ટંપિષ્ટં કે, ગુજરાતી તરીકે ગૌરવ લો! તંબુરો..! સાંજ સુધીમાં તો પોસ્ટે સીમાડા છાંટી દીધાં. પેલી બહેનને સાંજે ચોખવટ કરવી પડી કે, પોતાના નામ પર આ ધતિંગ ચાલે છે. પોતે બિમાર છે અને હાલ રજા ઉપર છે. ફોટો સ્ક્વોડ્રન લીડર સ્નેહા શેખાવતનો છે એવું કહેવામાં આવે છે.

ખબર નહી લોકોને શું મજા આવે છે આવી ગોફણો ફેંકવાની? થોડાં દિવસ પહેલાં સુરતમાં બીજો પણ આવો કિસ્સો બનેલો. પુલવામાં આતંકી હુમલા વખતે એક કંકોતરીની પોસ્ટ વાઇરલ થયેલી. જેમાં કહેવાયું હતું, કે હુમલાને લીધે વિવાહના ભપકાદાર પ્રોગામ કેન્સલ કરાયા છે અને એ બધી બચત શહિદોને આપવામાં આવશે. પછી ખબર પડી કે, આ તો હળાહળ ધતિંગ હતું! પણ ત્યાં સુધીમાં તો એ પોસ્ટ પવનવેગી સાંઢણીની જેમ હાથ ન આવે એટલી દૂર નીકળી ગયેલી!

અને બીજું, સર્જીકલ સ્ટ્રાઇકનો એક વીડિયો, જેમાં હેલિકોપ્ટર નિશાન લઈને ગાઇડેડ મિસાઇલ ફેંકવાની કવાયત દેખાડી છે. એ પણ ધોમ વાઇરલ થયો. ખરી વાત તો એ છે કે, એ બે દોકડાંની ગેમનો જ વીડિયો છે! છતાં પણ ભારતીય લોકોના ઇમોશન સાથે રમીને કાલે એણે પણ સારાગઢી ખેલી નાખી!

વધુમાં એક પોસ્ટ તો હદ વટાવી ગઈ. એમાં દેખાડવામાં આવ્યો છે એર-ચીફ-માર્શલ બી.એસ.ધનોઆનો ફોટો અને કહેવામાં આવ્યું છે કે, આ માણસે સર્જીકલ સ્ટ્રાઇક વખતે પ્લેન હંકાર્યું હતું! મતલબ…શું કહેવું યાર? બી.એસ.ધનોઆ ઇન્ડીયન એરફોર્સના સુપ્રીમો છે. એ ઓપરેશનમાં પ્રત્યક્ષ ભાગ ના લે. આટલી સમજણ પણ ને’વે મૂકીને આવ્યાં છો? ભારતીય સેના હુમલો કરે એનો મતલબ એ ના હોય કે, વડાપ્રધાન પણ AK-47 લઈને આગળ હોય!

<h2>આવાં હળાહળ ગળવા તો ભગવાન શિવ પણ ના આવે!</h2>

એક વાત યાદ રાખો : દેશપ્રેમ ચોક્કસ હોવો જોઈએ, હદ બહાર હોવો જોઈએ, સીનાફાડ હોવો જોઈએ. પણ એના નામે આવાં ધતિંગ શું કામ? શું મળે છે આવા હળાહળ વાઇરલ કરવાથી? ધતૂરો જ કે બીજું કંઈ! કોઈને કદાચ એમ લાગતું હોય કે, આમ કરવાથી પોતાની પોસ્ટ વાઇરલ થશે તો એને પણ જાણી લે કે, ભાઈ! માની લે કે કદાચ વાઇરલ થઈ પણ જાય તો તું એમાંથી શું ખાટી જવાનો છે? તને આટલો બધો દેશપ્રેમ ફાટી જતો હોય તો સેનામાં જા. એના થાય તો થોડાં ગરીબ-ગુરબાને ગોતીને મીઠાઈઓ વહેંચ, પછી કર વીડિયો વાઇરલ. પણ ના, તારે તો પથારીમાં ગંધારા ગોદડાંમાં પડ્યાં રહીને જ સોશિયલ મીડિયા પર પથારી ફેરવવી છે! ઘરમાં બાયડી-છોકરાં કહ્યું કરતા નથી- એક વેણ કે’ તો સામાં આખો દા’ડો બોલ્યાં જેવો ના રહેવા દે એવી અદ્ભુત ભાષા ચોપડી દે છે, કુતરાંઓ ઘરના ઉંબરે ઉભીને ઠીબડાંઓ ચાટી જતાં હોય છે, ફળીયામાં રળ્યાં-ખટ્યાં ભૂંડ આંટા મારતા હોય છે ને માળીયામાંથી ઉલળી-ઉલળી વંદાઓ ચૂલે રંધાતી ત્રણ દિ’ની વાસી, ઘેટાંની છાશની કઢીમાં પડીને મીઠા લીમડાની ખોટ પૂરતા હોય ત્યાં તારાથી બીજું થઈ પણ શું શકે? બાકી વાયુસેના કંઈ તારા માટે થઈને ઓફિશિયલ વીડિયો નહી આપે. એના ડ્રોને હુમલાનું રેકોર્ડિંગ તારા માટે નથી કર્યું, સમજાયું?

હે દેવ, ભારત સામે નજર બગાડતા શત્રુઓથી સાથે આવા પરબારા હમચીકુંડુ રમતા ભવાયાને પણ પાસરા કરજે!

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?