અમદાવાદનું સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરનો ઇતિહાસ

0
135

ભગવાન જગન્નાથની રથયાત્રા અમદાવાદ અને ગુજરાતની શાન અને ગૌરવ છે. સામાન્ય રીતે ભક્તો મંદિરમાં દર્શને જતા હોય છે ત્યારે અષાઢી બીજના દિવસે ભગવાન અમદાવાદના રસ્તા ઉપર વાજતે ગાજતે ભક્તોને દર્શન આપે છે. જગતનો નાથ જગન્નાથ ભક્તોને મળવા આવે તે કેવું ?

અમદાવાદની રથયાત્રાએ ભગવાન જગન્નાથની પ્રાતઃકાળે (સવારે ૪ વાગે આશરે) પૂજા થાય છે. ભગવાનને ખીચડી, કોળું અને ગવાર સીંગના શાકનું નૈવેધ ધરાવવામાં આવે છે. ફણગાવેલા મગ અને જાંબુ પ્રસાદરૂપે પ્રત્યેક ભક્તોને લાખોના ટનમાં નાત-જાતના ભેદભાવ વીના પ્રસાદરૂપેમાં વહેંચવામાં આવે છે.

જગન્નાથ મંદિરનો ઈતિહાસ

અમદાવાદનું જગન્નાથજીનું મંદિર લગભગ સાડા ચારસો વર્ષથી અધિક સમયનું પ્રાચીન મંદિર છે. તે સમયે વર્ષો પહેલાં ત્યાં સ્મશાન હતું. જે આજે સપ્તર્ષિના આરા તરીકે પ્રખ્યાત છે.

લગભગ સાડા ચારસો વર્ષ પૂર્વ એક સાધુના પગલાં સાબરમતીના કિનારે (અમદાવાદ) થંભી ગયા. આ સાધુ રામાનંદી સિદ્ધ સંત શ્રી હનુમાનદાસજી નદિ કિનારે એક ઝુંપડામાં નિવાસ રહેતા હતા.

એક દિવસે શ્રી હનુમાનદાસજી નદીના પટ ઉપર વિહરી રહ્યા હતા ત્યારે કેટલાક ડાઘુઓ એક શબને લઈને રોકકળ કરતા કરતા આવી રહ્યા હતા. આ લાકોનો વિલાપ જોઇ સંતને દયા આવી પૂછ્‌યું કે આવા નવયુવાનને કેમ મોત ભરખી ગયું ? બધાએ કહ્યું કાળોતરો (સાપ) કરડ્યો છે. સાધુના હૃદયમાં કરૂણા ઉપજી પોતાના કમંડળમાંથી થોડું જળ લીધું અને યુવાન ઉપર પાણીનો છંટકાવ કર્યો અને તેઓ પોતાની ઝુંપડીમાં ચાલ્યા ગયા. પોતાની પાસે જે જડીબુટ્ટી હતી તે આપી અને કહ્યું કે તમો ભગવાન જગન્નાથનું ધ્યાન ધરો.

અચાનક ચમત્કાર થયો અને યુવાનને નવજીવન મળ્યું. જય જગન્નાથ ! જય જગદીશ હરે ! બોલવા લાગ્યો. આખા ગામમાં આ વાત ચર્ચા થવા લાગી. સંત તો – ચલતા ભલા સંત બીજે ગામ જવાની તૈયારીમાં હતા ત્યારે ગામ લોકોએ કાયમી નિવાસ કરવાની વિનંતી કરી. ગામલોકોનો ભાવ જોઇ સાધુએ અહી હનુમાનજીનુ નાનકડું મંદિર બનાવ્યું અને ત્યાં રહેવા લાગ્યા. સમય જતાં તેમના શિષ્ય સારંગદાસજીએ પણ પોતાના ગુરૂની જેમ જ લોકોમાં અનોખી ચાહના મેળવી અને આ વિસ્તારમાં દૂધની સમસ્યાના નિવારણ માટે ગૌ શાળા શરૂ કરી. ત્યારબાદ આવેલા નરસિંહદાસજી મહારાજ પણ સાદગીની મૂર્તિ હતા. આજનું આ મંદિર નરસિંહદાસજીનુંને આભારી છે.

એક દિવસે મહંત નરસિંહદાસજીને ભગવાન જગન્નાથજીનું સ્વપન આવ્યું, જેમાં ભગવાને એવો ઇશારો કર્યો કે, અહીં ભાઇ બળદેવ તથા બહેન સુભદ્રા સાથે મારૂ મંદિર બનાવો. આ વાત ગામલોકો સમક્ષ કરતાં સૌએ તૈયારી દર્શાવી અને પુરીના ભગવાન જગન્નાથની અમદાવાદમાં પઘરામણી થઇ.

નરસિંહદાસજીની સેવા, નિષ્ઠા, ધર્મ ભાવનાથી લોકો તેમને ખુબ માન આપતાં, પ્રધાનો, નેતાઓ, મહંતો પણ તેઓની આગળ શીશ નમાવતા. નરસિંહદાસજી સાદગીથી જીવન જીવતા અને ખુલ્લા પગે ચાલતા. સને ૧૮૭૮માં સૌ પ્રથમ મહંતશ્રીએ સાધુ સંતોને બોલાવી ભક્તોને ભેગા કરી કહ્યું કે મને સ્વપ્નમાં ભગવાન જગન્નાથે જગન્નાથપુરીની જેમ અમદાવાદમાં રથયાત્રા કાઢવાનો સંકેત આપ્યો હતો. સૌએ આનંદ વ્યક્ત કરી આ વાતને વધાવી.

ભરૂચના ખલાસી ભાઈઓએ રથ ખેંચવાની શરૂઆત કરી આ ખલાસી ભાઈઓના પરિવારના લોકો ભગવાન જગન્નાથજીના પરમ ભક્તો હતા આથી મહંતે આ અધિકાર તેઓશ્રીના પરિવારોને મળ્યો ત્યારથી આ પરંપરા જળવાઈ છે.

‘‘મંદિરમાં કોણ છે ?રાજા રણછોડ છે, ના નારા સાથે રથયાત્રાની ભવ્ય શરૂઆત થઈ. સરસપુર ભગવાન જગન્નાથજીનું મોસાળ છે. આથી રથયાત્રા બપોરે સરસપુરમાં વિશ્રામ કરે છે. શ્રી નરસિંહદાસના અવસાન પછી સ્વામી શ્રી સેવાદાસજી મહારાજ, શ્રી રામહર્ષદાસજી મહારાજ આવ્યા. ત્યારબાદ મહંત શ્રી રામેશ્વરદાસજી આવ્યા. તેઓના પ્રયત્નોથી 2000ની સાલમાં જગન્નાથ-મંદિરનો જીર્ણોદ્વાર થયો. મંદિર ખૂબ જ સુંદર બન્યું છે. વિશાળ સત્‌સંગ હોલનું પણ આયોજન બન્યું છે. આજે આ મંદિર એ અમદાવાદનું તીર્થ સ્થાન બન્યું છે.

કોમી એકતા અને ભાઈચારો. સૌ કોઈ બસ જગન્નાથજી મય બની જાય છે. ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી હોય તેઓ સોનાથી બનેલી સાવરણી વડે ‘બુહારીસેવા’એટલે રથયાત્રાના માર્ગની સફાઈ કરે છે. પછી તો ‘ જયરણછોડ’ના જયનાદ, ઢોલ- નગારાં, શંખધ્વનિના જયઘોષ સાથે જગન્નાથજીના રથને પ્રથમ ખેંચવામાં આવે છે.

જયેષ્ઠવદ અમાસ જયારે ભગવાન મામાના ઘરેથી (સરસપુર- રણછોડરાયજીનું મંદિર) પાછા ફરે ત્યારે અને ઉત્તરાયણના દિવસે એમ બે ભંડારાની વિશિષ્ટતા છે. મંદિરમાં નાતજાતના ભેદભાવ વીના લોકો ભોજનનો પ્રસાદ લે છે. નરસિંહદાસ આયુર્વેદ ઔષધાલયનો અનેક લાભ લે છે. ગૌશાળાઃ નરસીંહદાસજી ગૌસેવા ટ્રસ્ટ સંચાલિત આ ગૌ શાળા સમગ્ર રાષ્ટ્રમાં ગૌરવ ધરાવે છે. જેમાં આશરે 1200 થી વધુ ગાયો છે. મંદિરમાં રવિવારે છાશનું વિતરણ થાય છે. અખીલ ભારતીય પશુમેળામાં શ્રેષ્ઠ પશુઓના ઈનામોમાં છેલ્લા સાત વર્ષથી પ્રથમ ઈનામ શ્રી નરસિંહદાસજી ગૌશાળા ટ્રસ્ટની કામધેનું ગાય મેળવે છે.

આમ અમદાવાદનું જગન્નાથ મંદિર એ અમદાવાદ શહેરનું ગૌરવ છે.

જગતના નાથ જગન્નાથજીને સત સત વંદન…

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?