કડકડતી ઠંડીમાં અત્યારે તો ‘તુવેર ટોઠા’ની જ બોલબાલા

0
503

શિયાળામાં ઠંડીથી રક્ષણ મેળવવા વિસનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં તુવેર ટોઠા લોકોની મનપસંદ આઇટમ બની રહી છે અને આ વાનગી ખાવા લોકો દૂર દૂરથી વિસનગર આવે છે. શનિવારે ૩૧મી ડિસેમ્બરે શહેરની હોટલ અને રેસ્ટોરન્ટોમાં પડાપડી થઇ હતી.

ઠંડીનું પ્રમાણ વધતાં લોકો ઠંડીથી રક્ષણ મેળવવા તેમજ શરીરને ઊર્જા મળી રહે તે માટે બદામપાક, ગુંદરપાક, કચરીયા પાક, મેથીના લાડુ, હળદર અને રગડ જેવી વાનગી આરોગતા હોય છે. પરંતુ વિસનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં તુવેર ટોઠા લોકોની પહેલી પસંદ બની રહી છે. તુવેર, લસણ, આદુ સહિત મસાલાથી ભરપૂર આ વાનગીની ઠંડી શરૂ થતાં જ પાર્ટીઓ શરૂ થઇ જતી હોય છે. હાલમાં શહેરમાં આવેલી હોટલોમાં તુવેર ટોઠા ઉપર લોકો પોતાની પસંદગી વધુ ઢોળી રહ્યા છે.

કહેવાય છે કે આ વાનગીની શરૂઆત વિસનગરના ગ્રામ્ય વિસ્તારમાંથી થઇ હતી. ખેડૂતો કડકડતી ઠંડીમાં ખેતરમાં પિયત કરવા જતા, ત્યારે ઠંડીથી રક્ષણ મેળવવા તુવેર ટોઠાની મજિબાની માણતા. આજનાદહાડે આ વાનગી વિસનગર પંથકમાં શિયાળાની ઋતુમાં હોટ ફેવરિટ બની ગઇ છે. શિયાળામાં રગડ રોટલા અને હળદરની વાનગીઓ બજારમાં આવી હોવા છતાં પણ લોકો તુવેર ટોઠાને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે. વિસનગરમાં રેસ્ટોરન્ટ ધરાવતા ગિરીશભાઇ પટેલે જણાવ્યું હતું કે, તુવેર ટોઠામાં સમય જતાં તેની સાથે બ્રેડ, જલેબી અને ઝીણી સેવ પણ વાપરવામાં આવતી હોવાથી લોકોને લિજ્જત પડે છે. તુવેર ટોઠા પ્રખ્યાત હોવાથી દૂર દૂર લોકો મિજબાની માણવા અહીં આવતા હોય છે.

તુવેર ટોઠા બનાવવામાં શું વપરાય

એક કિલો તુવેર, એક કિલો તેલ, બે કિલો લસણ, ૫૦૦ ગ્રામ આદુ, ૫૦૦ ગ્રામ હળદર, ૫૦૦ ગ્રામ ગોળ, ૨૫૦ ગ્રામ મરચાં, જરૂરિયાત મુજબનો ગરમ મસાલો.