પશુપ્રેમી હશો તો આ લેખ વાંચીને તમારી આંખ માંથી આવી જશે આંસુ, બળદે જણાવી તેની કહાની આપવીતી

0
21

દોસ્તો આજે આપણે આ લેખમાં એક બળદની વાત કરવાના છે અને આ વાંચ્યા પછી ચોક્કસથી તમે એની લાગણીને સમજી શકશો.ચાલો જોઈએ કેમ છે આ લેખ એકદમ ખાસ.

એક રેઢિયાળ બળદને આજે રસ્તામાં તેનો જુનો ખેડુત માલિક મળી જાય છે. જેવો એ બળદ પોતાના માલિકને જોવે છે એટલે બળદની આંખમાંથી આંસુ વહેવા લાગે છે. બળદ ધીમે ધીમે હિંમત કરીને ડગ મગ ડગલે તેના જુના ખેડૂત માલિક પાસે જાય છે, અને એકદમ દબાતા અવાજે તેને પૂછે છે કે કેમ છે ભાઈબંધ? ઘરે બધા કેમ છે? છોકરા શું કરે છે , જયારે આ વાત ખેડૂતે બળદની સાંભળી તો તે જરા મુંજાઈ જાય છે અને થોડું તોતડાયને તે કહે છે કે બ..બ..ધા મજામાં છે..તે માંડ આટલું જ બોલી શકે છે.

બળદ આ સાંભળી કહે છે કે હે મારા પ્રિય મિત્ર, તું જરા પણ મુંઝાતો નહિ, આવું તો બસ ચાલ્યા રાખે.. જેવા મારા નસીબ… પરંતુ હું તને એક વાત કહેવા ઇચ્છુ છું કે જે દિવસે તું મને દોરીને આ સાવ અજાણી અને અંતરીયાળ જગ્યાએ મૂકીને જતો રહ્યો હતો ત્યારે જ મારે તને કહેવાની ઈચ્છા હતી પરંતુ મને એ વિચાર આવ્યો કે તે સાંજે મેં તારો ચારો ખાધો હતો અને હજી એ ચારો મારા દાંતમાં અટવાયેલો હતો, અને બીજી ખાસ વાત એ કે ત્યારે તું મારો માલીક હતો માટે જ ત્યારે મેં તને કાંઈ કીધું નહિ. પરંતુ આજે તું મારો માલિક નથી રહ્યો , હવે તો તું માત્ર મારો મિત્ર જ છે, તેથી જ આજે મારી ઈચ્છા તારી સાથે કેટલીક વાતો કરવાની છે.

દોસ્ત તે દિવસે સાંજે જયારે તારા ઘરે એ વાત થતી હતી, કે હવે આ બળદને ક્યાંક મોકળો મૂકી આવવો છે. જયારે મેં આ વાત સાંભળી એટલે મને તો તે રાત્રે નીંદર જ આવી નહિ. જ્યારે મેં જાણ્યું તો મને ઘણું જ દુઃખ થયું કે હવે આ આંગણામાં મારી આ છેલ્લી રાત હશે. મારા અન્નજળ આ ઘરમાં હવે પુરા થઈ ગયા છે. હું તો ફક્ત હવે સવાર થવાની જ રાહ જોતો હતો , અને જેવી સવાર થઇ એટલે વહેલી સવારે તો તું મને દોરડે બાંધીને હાલવા લાગ્યો , અને તે સમયે મને એક એક ડગલું ભવના ફેરા સમાન લાગી રહયું હતું.

અરે…દોસ્ત આપણો નાતો તો 15 ધર(ખેડ) નો હતો, કેમ અચાનક તને એ વાત ભુલાઈ ગઈ ? આ સાંભળીને ખેડુત કહે છે કે ,એવું નથી પણ દુકાળ છે અને ચારાની તંગી થઇ રહી છે તેથી મિત્ર મારે આવું અઘરું પગલું લેવું પડ્યું. તો બળદે કહે છે કે, અરે મારા દોસ્ત ચારાની તંગી છે? કે પછી હું હવે હું તારા કામનો રહ્યો નથી ? ભલા ભેરૂડા તે જે તારે ઘરે ભગરી ભેંસો બાંધેલી છે, એની ઓગઠ(એંઠવાડ) ખાઈને અને પાણી પીને પણ હું મારા દિવસો પસાર કરી દેત.

એ બધું છોડ પણ શું તને એ યાદ છે કે, જયારે તારે નળીયા વાળા મકાન હતા અને તારી પરિસ્થિતિ બહુ સારી હતી નહિ, અને મને ત્યારે તારી એવી હાલત જોઈને એવું થાતું કે જો હું ખેતીમાં થોડી વધારે મહેનત કરૂ, અને મારા માલીકને સારી ઉપજ અને વધુ વળતર પ્રાપ્ત થાય. દોસ્ત મેં તને પગભર કરવા માટે ખુબ જ સખ્ત મહેનત કરી, તારા ખેતરડા ખેડયા, પૃથ્વીના પેટાળ પલટાવી દીધા. મેં તને સારું થાય એના માટે તો દિવસ રાત એક કરી નાખ્યા હતા, અને કાળીયા ઠાકરની કૃપાથી અને આપણી મહેનતથી તારે સારા એવા મોટા મકાન બની ગયા, મોટરસાઇકલ અને કાર પણ આંગણે આવી ગઈ અને બધું જ ખુબ જ સારુ થવા માંડ્યું. મને તારા પરિવાર અને બાળકોને સુખી જોઈને ખુબ જ આનંદ થતો હતો પણ જે દિવસે તારા ઘેર એક મીની ટ્રેકટર આવ્યું, બસ એ જ દિવસે મને મનમાં ધ્રાસકો પડ્યો કે હવે આ મારા ઉતારા ભરાવશે.

આજે હું એકદમ સાચી વાત કહીશ કે હું ઘણો જ દુઃખી છું. પેટ ભરવા માટે ક્યાંક સિમ કે શેઢે જો મોં નાખું તો માણસો પરાણાં (લાકડી) લઈને મારી પાછળ ભાગે છે, અને સીધું જ મારી પીઠ ઉપર ફટકારવા લાગે છે.અને કેટલાક તો વળી છુટા પથ્થર પણ ફેંકે છે. હવે હું આવી રીતે ઠોકરો ખાઈ ખાઈને ખુબ જ થાકી ગયો છું. હવે મને આ જતું જીવન ઘણું જ અઘરું લાગી રહયું છે. તું જાણે છે કે હું ક્યાં હવે વધારે જીવવાનો હતો, આ મારી કાયા હવે ઘડપણે ઘેરાઈ ગઈ છે , અને હવે મારી ઈચ્છા પણ વધુ જીવવાની નથી.

જેવા મારા ભાગ્ય એવું મારુ જીવન હશે હવે. પરંતુ દોસ્ત હવે શું તું મારુ એક છેલ્લું કામ કરીશ? તારા ફળિયામાં જે મને બાંધવાનો ખીલ્લો તે રાખ્યો છે તે ખીલ્લાને તું કાઢી નાખજે કારણ કે જો ક્યારેક પણ જો તું મારા વાળા એ ખીલ્લે ભેંસોને બાંધીને લીલા ચારાના અને ખોળ કપાસીયાના બત્રીસ ભાતના ભોજન ખવડાવીશ તો ત્યારે મારા આત્માને સહેજ પણ શાંતિ મળશે નહિ.

બીજી મહત્વની વાત એ કે તારા છોકરાંઓને મારી જોડે મજાક મસ્તી કરવાની અને મને ટીંગાઈને વળગીને રમવાની ઘણી ટેવ હતી.માટે તું તારા છોકરાંવને ખાસ મારા તરફથી કહેજે કે ભેંસ જોડે આવા અખતરા કરે નહિ કારણ કે મારી “માં અને ભેંસની માં” ના સંસ્કારોમાં ઘણો જ ફેર હોય છે. ક્યાંક એ તારા છોકરાને વગાડી જ દે તું એ વાતનું ખાસ ધ્યાન રાખજે અને ઘેર જઈને બધા ને મારી ખુબ જ યાદી આપજે અને તારા છોકરાંવ અને ઘરડી માંનું પણ ખુબ જ ધ્યાન રાખજે, અને એવું કહેજે કે આપણો ઇ પેલો બળદ મને મળ્યો હતો, અને તે આજે ઘણો જ ખુશ અને એકદમ મજામાં દેખાતો હતો.

મને એ વાત કહેતા પણ ઘણું જ દુઃખ થાય છે કે આ “રેઢિયાળ” નું બિરુદ સાથે લઈને મરવું મારા માટે ખુબ જ અઘરું છે. દોસ્ત તે મને ફક્ત તારે આંગણે મરવા દીધો હોત ને તો પણ મને જરાય અફસોસ થાત નહિ. તેથી હવે મને અતરિયાળનું મારૂ મરણ, મારા વ્હાલા મને ખુબ જ વશમું લાગશે. આમ કહીને તો બળદની આંખમાંથી ચોધારા આંસુડા વહેવા માંડ્યા હતા. તું હવે શું મારુ છેલ્લુ કામ કરીશ ? કે મારા મોઢામાં તે આ મોરડો પહેરાવ્યો છે ને એ તું મને કાઢી આપ કારણકે દોસ્ત તે જે તારો આ મોરડો પહેરાવ્યો છે તે મને મારા મારવાના સમયે ખુબ જ મુંઝવશે.

હું આ ખેડુત અને બળદની વાતો ધ્યાનથી સાંભળી રહ્યો હતો.ત્યારે મેં બળદને એવું કહ્યું કે અહિયાંથી 5 કિમી દુર મારા ગામમાં એક ગૌશાળા આવેલી છે.હવે હું ત્યાં ધીમે ધીમે પહોંચી જાઉં તો ત્યાં મને ચારા-પાણીની સગવડ મળી જાય. તો બળદે ખેડૂત સામે ત્રાંસી આંખે જોયું અને પછી કહેવા લાગ્યો કે ખોટી ચિંતા કરી નહિ કેમ કે હવે મારો મલક ભર્યો છે, અને હવે માત્ર હું છું ને મારી જીંદગી છે. આટલું કહીને બળદ તેના ખેડુત માલીક સામે છેલ્લી નજરે જોવે છે અને જીવ્યા મુવાના જાજાથી જુહાર એવું કહીને પોતાના જુનાં સંભારણા યાદ કરે છે ને ધીમે ધીમે ડગ મગ ડગલે હાલી નીકળે છે.

ખાસ વાત

જયારે મેં આજે રોડ ઉપર આ બળદોને જોયા તો મને એવું બસ લખવાનું મન થઇ ગયું અને જેનું ખેડેલું આપણે ખાધું એના ગુણને જે ભૂલી જાય એની આત્માને પણ ભગવાન ઘણી જ શાંતિ આપે એવી મારી પ્રાર્થના.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?